Wednesday, August 6, 2008

Bhagawan Rajneesh Osho-મારે કોલસાને હીરો બનાવવો છે

ઓશો
Saturday, May 31, 2008 08:44 [IST]

૧૯૩૦ ની આસપાસ ગાંધીજી શ્રીલંકા ગયા હતા. એમની સાથે કસ્તૂરબા હતાં. સંયોજકોએ માન્યું કે ગાંધીજીનાં બા સાથે આવ્યાં છે. લોકો પણ એવું જ સમજયા. સંયોજકોએ પરિચય આપતાં કહ્યું કે ગાંધીજી પધાર્યા છે અને મોટું સદભાગ્ય તો એ વાતનું છે કે એમનાં માતાજી પણ સાથે પધાર્યા છે, એમની બાજુમાં જ બિરાજયાં છે. ગાંધીજીના સેક્રેટરી ગભરાયા કે ભારે થઈ. આ તો આપણી જ ભૂલ. પહેલેથી સ્પષ્ટતા કરી લેવી જરૂરી હતી... પરંતુ હવે તો ઘણું મોડું થયું હતું.

ગાંધીજી તો મંચ પર બેસી ગયા હતા ને એમણે બોલાવાનું શરૂ પણ કરી દીધું હતું. ગાંધીજી પાછળથી શું કહેશે એનો સેક્રેટરીને ભય હતો. ગાંધીજી નારાજ નહીં થાય, એની તો એમને કલ્પનાય નહોતી કારણ કે પત્નીને માતા બનાવવા સમર્થ થાય એવા પુરુષ બહુ ઓછા હોય છે. ગાંધીજીએ કહ્યું, ‘સૌભાગ્યની વાત છે કે જે મિત્રે મારો પરિચય આપ્યો એમણે ભૂલમાં એક સત્ય કહી નાખ્યું છે. કસ્તૂરબા કેટલાંક વર્ષોથી મારી મા થઈ રહી છે. એક વાર એ મારી પત્ની હતી પરંતુ હવે એ મારી મા છે.’

પતિપત્ની કામને-સંભોગને સમજવાનો પ્રયત્ન કરે તો એકબીજાંના મિત્ર બનવાની, એકબીજાંના કામનું રૂપાંતર કરવામાં સહયોગી બનવાની, સાથી બનવાની સંભાવના છે. જયારે કોઈ પતિપત્ની પોતાના સંભોગ સંબંધોને રૂપાંતરિત કરવામાં સફળ થાય છે ત્યારે એમના જીવનમાં પહેલી વાર એકબીજાં માટે અનુગ્રહની ભાવના જન્મ છે, એ પહેલાં નહીં. એ પહેલાં તો તેઓ એકબીજાં તરફ ક્રોધથી ભરાયેલ રહે છે, બુનિયાદી શત્રુ બની રહે છે. એમની વરચે સંઘર્ષ હોય છે, મૈત્રી નહીં.

મૈત્રી ત્યારે જ શરૂ થાય છે, જયારે બંને એકબીજાંનાં સાથી બને અને તેમની કામર્જાના રૂપાંતરનું માઘ્યમ બને. તે દિવસે પુરુષ સ્ત્રી પ્રત્યે આદરથી ભરાઈ જાય છે. કારણ કે કામવાસનામાંથી મુકત થવામાં સ્ત્રીએ સહાય કરી છે. તે દિવસે સ્ત્રી પુરુષ પ્રત્યે અનુગ્રહિત બને છે, કે પતિએ કામવાસનામાં મુકિત અપાવવામાં સાથ આપ્યો, એ દિવસથી સાચી મૈત્રી બંધાય છે. જે મૈત્રી કામની નથી પ્રેમની છે. તે દિવસથી તેમનું જીવન સાચી દિશા ભણી જાય છે.

એનો અર્થ નથી કે હું કામને ગાળો દઉં, એની નિંદા કરું. કામ સાથેની મારી દુશ્મનાવટનો અર્થ એટલો કે કામને રૂપાંતરિત કરવાની બાબતમાં હું દિશાસૂચન કરું, એ રૂપાંતર કેમ થાય તે હું તમને કહું. હું કોલસાનો દુશ્મન છું. કારણ કે મારે કોલસાને હીરો બનાવવો છે. સેકસનું રૂપાંતર કરવા હું ચાહું છું. કેવી રીતે? મેં તમને કહ્યું છે - એક નવું દ્વાર ખોલવું જરૂરી છે. બાળક જન્મતાં જ એના જીવનમાં સેકસનો પ્રવેશ નથી થતો. શકિત એકત્રિત થશે અને જે દ્વાર ૧૪ વર્ષ સુધી બંધ રહ્યું તે એ શકિતના એક જ ધક્કાથી ખૂલી જશે અને સેકસની દુનિયા શરૂ થઈ જશે.

‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી, સંકલન : એક ઓશો સંન્યાસી

No comments: