એક વાર દ્વાર ઉઘડી ગયા પછી બીજું દ્વાર ખોલવું અઘરું છે. કારણ કે સમસ્ત શકિતઓનો નિયમ એ છે કે એક વાર એ વહેવા માટે માર્ગ શોધી લે પછી એ જ માર્ગે વહેવાનું પસંદ કરશે. ગંગા સાગર તરફ વહી નીકળી. એક વાર એણે રસ્તો કરી લીધો પછી તો એ જ રસ્તે એ વહેતી જશે. રોજ નવું પાણી આવશે અને એ જ રસ્તેથી વહેતું ચાલ્યું જશે. ગંગા રોજ નવો માર્ગ નહીં શોધે. જીવનશકિત પણ એક માર્ગ શોધી લે છે પછી એ જ માર્ગે વહી જાય છે.
જીવનને જો કામુકતાથી મુકત કરવું હોય તો કામુકતાનો માર્ગ ખૂલે તે પહેલાં એ નવો માર્ગ, ઘ્યાનનો માર્ગ ખોલી લેવો જરૂરી છે. એકેએક નાના બાળકને ઘ્યાનનું અનિવાર્ય શિક્ષણ અને દીક્ષા મળવાં જૉઈએ. પરંતુ આપણે તો કામના વિરોધની દીક્ષા આપીએ છીએ, જે અત્યંત મૂર્ખતાપૂર્ણ છે. કામના વિરોધની દીક્ષા આપવાની નથી. શિક્ષણ તો આપવાનું છે ઘ્યાનનું વિધેયાત્મક-કે તે કેવી રીતે ઘ્યાનમાં તરે. અને બાળકો સહેલાઈથી ઘ્યાનમાં ઉતરી શકે છે. કારણ કે તેની ર્જાનું કોઈ દ્વાર ખૂલ્યું નથી. હજુ દ્વાર બંધ છે. હજુ ઉર્જા સુરક્ષિત છે. અત્યારે નવા દ્વાર પર કોઈ જગ્યાએ ધક્કો મારીને દ્વાર ખોલી શકાય છે. પછી તો એ વૃદ્ધ થઈ જશે અને ઘ્યાનમાં તરવું તેને માટે અત્યંત દુષ્કર થઈ જશે.
જેમ એક નવો છોડ ઉગે ત્યારે એની શાખાઓને જેમ નમાવવી હોય તેમ નમાવી શકાશે. પછી તે છોડ વૃક્ષ થાય છે-વૃદ્ધ થાય છે, ત્યારે તેની ડાળીઓ તૂટી જશે પણ નમશે નહીં. દુનિયામાં વૃદ્ધ લોકો ઘ્યાનની ચેષ્ટા કરે છે, પણ તે બિલકુલ ખોટા છે.
ઘ્યાનના તમામ પ્રયત્નો નાનાં બાળકો પર કરવા જોઈએ, પરંતુ મરણોન્મુખ માણસ ઘ્યાનોત્સુક થાય છે. એ ઉત્સુક બને છે કે ઘ્યાન શું છે? શાંત કેમ થવાય? જીવનની તમામ શકિત જયારે ખલાસ થઈ જાય, જયારે ઝૂકવાનું કે બદલવાનું મુશ્કેલ થઈ જાય ત્યારે તે ‘પોતે કેમ બદલાય’ એની પૂછપરછ કરે છે.
એક પગ કબરમાં ને બીજો બહાર રાખીને માણસ પૂછે છે, ઘ્યાનનો કોઈ માર્ગ છે? કેવી અજબ વાત છે! તદ્દન ગાંડપણભરી વાત છે. ઘ્યાનનો સંબંધ એક જ દિવસના જન્મેલ બાળક સાથે જયાં સુધી જોડાશે નહીં ત્યાં સુધી પૃથ્વી કદી શાંત નહીં થાય. ઘ્યાનસ્થ નહીં થાય. અંતિમ દિવસ સુધી પહોંચેલા વૃદ્ધથી એ સંબંધ બાંધી નહીં શકાય. કદાચ બાંધી શકાય તો નિરર્થક અતિ શ્રમ વ્યય કરવો પડે છે. ઉત્તરાવસ્થામાં શાંત થવા માટે પૂર્વાવસ્થામાં એ એકદમ થવો શકય હતો.
‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી, સંકલન : એક ઓશો સંન્યાસી
Source From:- Divya Bhaskar

No comments:
Post a Comment