Wednesday, June 25, 2008

OshoVani-Online Bhagawan Osho Amrit Vani

જીવન અંધકારમય લાગે તો જીવન જીવવાની રીત ખોટી છ

હું આપને કહેવા માગું છું કે જીવનથી અતિરિકત ન કોઇ પરમાત્મા છે, ના કોઇ હોઇ શકે.

અત્યાર સુધી ધર્મના નામે જીવનનો વિરોધ જ શિખવાડાયો છે. ખરું તો એ છે કે, આજ સુધીના તમામ ધર્મ મૃત્યુવાદી છે, જીવનવાદી નથી. એ ¼ષ્ટિએ તો જીવન પછી જે છે તે જ મહત્ત્વનું છે, મૃત્યુ પહેલાં જે છે તેનું કશું મહત્ત્વ નથી. આજ સુધીના ધર્મમાં મૃત્યુની પૂજા છે. જીવનનું સન્માન નથી. જીવનનાં ફૂલોનો આદર નથી, મૃત્યુનાં કરમાયેલાં, વાસી ફૂલોની, કબરોની પ્રશંસા છે, શ્રદ્ધા છે. આજ સુધીનો ધર્મ ચિંતવે છે કે મૃત્યુ પછી શું? સ્વર્ગ, મોક્ષ! મૃત્યુ પહેલાં જે છે તેની સાથે આજ સુધીના ધર્મને જાણે કોઇ સંબંધ નથી. હું આપને એ કહેવા માગું છું કે મૃત્યુ પહેલાં જે છે તેને સંભાળવાને જૉ આપણે અસમર્થ છીએ તો મૃત્યુ પછી જે હોય તેને સંભાળવાનું સામથ્ર્ય આપણામાં કદી ન હોઇ શકે. મૃત્યુ પહેલાં જે છે તે જૉ વ્યર્થ સરકી જાય છે તો મૃત્યુ પછી સાર્થકતાની ત્રેવડ કે યોગ્યતા આપણે આપણામાં કદી ઉત્પન્ન નહીં કરી શકીએ.

મૃત્યુની તૈયારી પણ એ જીવનની આસપાસ જે હાજર છે એના દ્વારા જ કરવાની છે. મૃત્યુ પછી જૉ કોઇ લોક હોય તો એ લોકમાં પણ આપણે જીવનમાં જે અનુભવ્યું છે, નિમ્ર્યું છે એનાં જ દર્શન થશે. પરંતુ આજ સુધી તો જીવનને ભુલાવી દેવાની, જીવનનું વિસ્મરણ કરવાની જ વાતો થઇ છે. હું આપને કહેવા માગું છું કે જીવનથી અતિરિકત ન કોઇ પરમાત્મા છે, ન કોઇ હોઇ શકે. હું એ પણ કહી દેવા માગું છું કે જીવનની સાધના જ ધર્મની સાધના છે અને જીવનમાં પરમ સત્યની અનુભૂતિ કરવી એ જ મોક્ષ પ્રાપ્ત કરવાનું પ્રથમ પગથિયું છે. એ નિશ્ચિત છે કે જે જીવન ચૂકી જશે તે બીજું બધું ચૂકી જશે. અત્યાર સુધીનું વલણ જ વિપરીત રહ્યું છે, એ વલણમાં તો જીવનને છોડવાની, જીવનનો ત્યાગ કરવાની વાત છે. જીવન જીવવાની કળા શીખવવાની કે જીવનમાં જ શોધ કરવાની વાત એ વલણમાં નથી. જીવન જીવવાની રીત પણ એ નહીં દર્શાવે. જીવન જીવવાની સાચી રીત જો જડી જાય તો એ જ જીવન આનંદવર્ષા પણ કરી શકે છે.

ધર્મને હું જીવન જીવવાની કળા કહું છું. ધર્મ એટલે જીવનનો ત્યાગ નહીં ધર્મ એટલે જીવનના ગહનમાં તરવાનું સોપાન. જીવનને પીઠ બતાવવામાં નહીં, જીવનને પૂરી રીતે આંખો ખોલીને જૉઇ લેવામાં ધર્મ છે. જીવનથી ભાગી છૂટવામાં ધર્મ નથી, જીવનને પૂર્ણતયા આલિંગવાનું બીજું નામ જ ધર્મ છે. જીવનનો સંપૂર્ણ સાક્ષાત્કાર એટલે ધર્મ. આ જ કારણથી આજ સુધી માત્ર વૃદ્ધો જ ધર્મોત્સુક રહ્યા છે. મંદિરોમાં, ચર્ચમાં, ગિરિજાઘરોમાં, ગુરુદ્વારાઓમાં માત્ર વૃદ્ધો જ દેખાય છે. ન તો યુવાનો ત્યાં દેખાય છે ન તો બાળકો. તેનું કારણ શું? એનું એક જ કારણ છે આજ સુધી આપણો ધર્મ માત્ર વૃદ્ધોનો ધર્મ રહ્યો છે. જેમનું મરણ નજીક છે, જેઓ મૃત્યુથી ભયભીત છે, જેઓ મૃત્યુપળની સ્થિતિના ચિંતનમાં છે અને મૃત્યુ પછી શું છે એ જાણવા ચાહે છે એ લોકોનો ધર્મ છે. મૃત્યુ પર આધારિત ધર્મપૂર્ણ જીવનને કેવી રીતે પ્રભાવિત કરી શકે? મૃત્યુનું ચિંતન કરનારો ધર્મ પૃથ્વીને ધાર્મિક શી રીતે બનાવે?એ નથી બનાવી શકયો. પાંચ હજાર વર્ષથી અપાતી ધાર્મિક કેળવણી છતાંય પૃથ્વી રોજ અધાર્મિકતા તરફ જ ઢળતી રહી છે. મંદિર છે, મસ્જિદ છે, ચર્ચ છે, પૂજારી છે, પુરોહિત છે, સંન્યાસી છે અને છતાં પૃથ્વી ધાર્મિક બની શકી નથી, અને બનીયે નહીં શકે કારણ કે ધર્મનો આધાર જ ખોટો છે. એ ધર્મનો આધાર જીવન નથી, મૃત્યુ છે. ધર્મનો આધાર વિકસતાં પુષ્પો નથી, મૃત કબરના પથ્થરો છે. જે ધર્મનો આધાર મૃત્યુ હોય એ ધર્મ જો પ્રાણોને, જીવનના પ્રાણોને સ્પંદિત કરી ન શકે તો એમાં આશ્ચર્ય શું? જવાબદારી કોની? ‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી

સંકલન : એક ઓશો સંન્યાસી

No comments: