સાગરની લહેર જો બરફનો પથ્થર બની જાય, જામીને બરફ થઈ જાય તો નીચે પડવાની કોઈ જરૂર નથી.
જે લોકો સેકસના વિરોધી છે એ તો એ અનુભવ શું છે એ સમજી નથી શકતાં. આટલી આતુરતા કોના માટે છે એનું યોગ્ય વિશ્લેષણ પણ એ લોકો કરી શકતા નથી. હું આપને કહેવા ઇરછું છું કે, સંભોગનું આટલું આકર્ષણ ક્ષણિક સમાધિ માટે છે અને જે દિવસથી આપને સંભોગ સમાધિ ઉપલબ્ધ થવી શરૂ થશે એ જ દિવસથી આપ સંભોગથી મુકત થઈ જશો. તે દિવસથી તમે સંભોગથી, સેકસથી મુકત થશો. કારણ કે માનવી હજારો રૂપિયા ખોઈને પણ થોડોક અનુભવ મેળવે છે, એને કોઈ કાળે કોઈ કહી દે કે રૂપિયા ગુમાવવાની કોઈ જરૂર નથી, આ અનુભવના તો ખજાના ભર્યા છે. આ માર્ગે તું ચાલ અને અનુભવ પ્રાપ્ત કરી લે. તો પછી હજારો રૂપિયા ગુમાવીને એ અનુભવને ખરીદવા માટે એ બજારમાં નહીં જાય.
કામ દ્વારા જે અનુભૂતિ મળે છે તે જ અનુભૂતિ કોઈ અન્ય માર્ગે મળી શકે તો મનુષ્યનું ચિત્ત સેકસ તરફ ઢળવાનું આપોઆપ બંધ કરી દેશે. એનું ચિત્ત એક નવી દિશામાં ગતિ કરશે. એટલે જ હું કહું છું કે જગતમાં મનુષ્યને સમાધિનો સૌ પ્રથમ અનુભવ સેકસના અનુભવમાંથી જ થયો છે. પરંતુ એક તો, અનુભવ ઘણો મોંઘો છે અને એક ક્ષણથી વધારે ગહન નથી. એક ક્ષણની ઝલક ને પાછા હતા ત્યાં ને ત્યાં. એક ક્ષણ માટે કોઈ લોકમાં પહોંચી જવાય છે. કોઈ ગહનતાને, કોઈ શિખરને આંબવાનું હોય છે અને એ થાય તે પહેલાં જ પતન શરૂ થઈ જાય છે. જેમ કોઈ સાગરનું મોજું આકાશ તરફ છળે અને હજી આગળ વધે, પહોંચે, હવાની સાથે ટક્કર લે તે પહેલાં જ એનું સાગરની દિશામાં પતન શરૂ થઈ જાય છે તેમ. પછી એ અનુભવ માટે, એ સુખ માટે, એ સાક્ષાત્કાર માટે વારંવાર શકિતનો સંચય કરીને એની ચેષ્ટા ફરી ફરીને કરીએ છીએ. પરંતુ હાથમાં તો આવે છે કાયમની વિફલતા. કોઈ ગહન વિશ્વમાં, કોઈ ઘ્ર્વલોકમાં એક ક્ષણ માટે આપણે હજી પ્રવેશ પણ નથી પામતાં ને તમામ લહેરો વિખરાઈ જાય છે. આપણી શકિતને ગુમાવીને આપણે પાછા હતા ત્યાં આવીને ભા રહીએ છીએ. પરંતુ સાગરની લહેર જૉ બરફનો પથ્થર બની જાય, જામીને બરફ થઈ જાય તો નીચે પડવાની કોઈ જરૂર નથી.
માનવીનું ચિત્ત જયાં સુધી સેકસની તરલતામાં વહે છે ત્યાં સુધી એ ચડે છે અને પાછું પડે છે. આખું ય જીવન આ જ કરે છે. અને જે અનુભવ માટે, અહંશૂન્યતાને અહંકારશૂન્યતા માટે આટલું તીવ્ર આકર્ષણ છે તે તો હાથમાં આવે છે ને નથી ય આવતું. હું સ્વયંને જાણી લઉં. હું મૌલિક શકિતને જાણી લઉં, જે અનંત છે, જે સમય-શૂન્ય છે, જે સમયાતીત છે, જે અનંત અનાદિ છે એને જાણી લઉં... એ જ આકર્ષણ છે ને? એ જાણવા માટે જગત આખું સેકસના કેન્દ્ર પર ઘૂમે છે... પરંતુ આપણે જો આ ઘટનાક્રમનો વિરોધ કરીએ તો શું થાય? તો સેકસ દ્વારા જે એક ઝલકની જેમ દેખાય છે તે અનુભવ મળી શકશે? ના, નહીં મળે. જૉ આપણે સેકસનો વિરોધ કરીએ છીએ તો સેકસ જ આપણી ચેતનાનું કેન્દ્ર બની જાય છે. આપણે સેકસથી મુકત થતા નથી, પણ તેનાથી બંધાઈએ છીએ. જેમ જેમ એનાથી ભાગવાના પ્રયત્નો કરીએ છીએ તેમ તેમ વધારે ને વધારે બંધાતા જઈએ છીએ.
‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી - સંકલન : એક ઓશો સંન્યાસી

No comments:
Post a Comment