ક્ષમા માગવાથી શાંતિ મળે
એક ફકીરને મળવા કોઈ જર્મન યાત્રી ગયો હતો. યાત્રી કંઈક ગુસ્સામાં હશે. એણે જોડા કાઢીને જોરથી બારણા પર પટકયા, બારણાને ધક્કો મારીને તે અંદર ગયો, અને ફકીરને નમસ્કાર કર્યા.
ફકીરે કહ્યું, ‘તમે પહેલાં જોડાની ને દરવાજાની માફી માગો.’
એ માણસે કહ્યું, ‘ગાંડા થયા છો કંઈ? જોડાની ને બારણાની માફી? એમને તો કંઈ વ્યકિતત્વ છે?’
ફકીરે કહ્યું, ‘ક્રોધ કરતી વખતે એમને વ્યકિતત્વ નથી એવો વિચાર તમને નથી આવ્યો. તમે જોડા એવી રીતે કાઢયા જાણે જોડાનો કંઈ વાંક હોય, જોડામાં પ્રાણ હોય. બારણું એવી રીતે ખોલ્યું જાણે એ તમારું દુશ્મન હોય. ના ભાઈ, ક્રોધ કરતી વખતે જો તમે એમનું વ્યકિતત્વ માની લીધું તો પહેલાં જાઓ, ક્ષમા માગી આવો. પછી હું તમારી સાથે વાત કરીશ, ત્યાં સુધી વાત કરવા હું રાજી નથી.’
દૂર દૂરથી મળવા આવે ને આટલી વાત પર મુલાકાત ન થઈ શકે? લાચાર થઈને તેને દરવાજા પાસે જઈને હાથ જોડીને ક્ષમા માગવી પડી અને કહેવું પડયું, ‘ભાઈ, માફ કર. ભૂલ થઈ ગઈ. મેં તમારી સાથે ગુસ્સો કર્યો.’
એ યાત્રીએ લખ્યું છે કે, ‘જયારે હું ક્ષમા માગતો હતો ત્યારે પહેલાં તો મને હસવું આવ્યું કે આ કેવું ગાંડપણ? પણ મેં જયારે ક્ષમા માગી ત્યારે ચકિત થઈ ગયો. મને એક એવી શાંતિનો અનુભવ થયો કે જેની મેં કલ્પના સરખી કરી નહોતી કે બારણાની ને જોડાની ક્ષમા માગવાથી શાંતિ મળી શકે. હું જઈને ફકીર પાસે બેઠો. એ હસવા લાગ્યો ને બોલ્યો, હવે કંઈક વાત કરી શકાય. તમે થોડો પ્રેમ પ્રગટ કર્યો, હવે તમારી સાથે સંબંધ બાંધી શકાય. કારણ કે તમે હવે આનંદમાં છો.’
‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી , સંકલન : એક ઓશો સંન્યાસી

No comments:
Post a Comment