બે વ્યકિત વરચેની દીવાલ ખસી જાય અને બેયના પ્રાણ સંયુકત થઈ જાય એનું નામ પ્રેમ. જયારે આવો અનુભવ એક વ્યકિતનો સમૂહ સાથે થાય ત્યારે એ અનુભવને હું પરમાત્મા કહું છું. વ્યકિત વ્યકિત વરચે થાય એ પ્રેમ. મારી અને અન્ય કોઈ વ્યકિત વરચે આ અનુભવ થાય, અમારી વરચેની દીવાલ ખસી જાય, અને આંતરિક સ્તરે એક થઈ જઈએ, એક સંગીત, એક ધારા, એક પ્રાણ તો આ અનુભવ છે પ્રેમ. એ જ રીતે મારી અને સમસ્તની વરચે જૉ એવો અનુભવ થાય,‘હું’ વિલીન થઈ જાય, અને ‘સમસ્ત’ અને ‘હું’ એક થઈ જઈએ તો એ અનુભવ છે પરમાત્માનો.
જયાં સુધી ‘હું’ છું ત્યાં સુધી ‘બીજા’નું અસ્તિત્વ વિલીન થઈ જાય એ કેવી રીતે બને? ‘અન્ય’ નો જન્મ થયો છે મારા ‘હું’ પણાથી. જેટલી તીવ્રતાથી પુકારું ‘હું’ એટલી તીવ્રતાથી ‘અન્ય’ પેદા થાય છે. ‘અન્ય’ ‘હું’ નો પ્રતિઘ્વનિ જ છે. અહંકાર દીવાલ બનીને ભો રહે છે દ્વારાની આગળ. અને ‘હું’ છે શું? વિચાર કર્યોછે કયારેય? તમારો હાથ, તમારો પગ, તમારું મસ્તિષ્ક, તમારું હૃદય-હું છે શું? જૉ એક ક્ષણ શાંત થઈને અંદર શોધો કે શો છે ‘હું’? તો તમે ચકિત થઈ જશો, ‘હું’ તમને મળશે નહીં. જેટલું ડે શોધશો એમ એમ તમને થશે કે અંદર એક સ્તબ્ધતા છે, ત્યાં કોઈ ‘હું’ નથી, કોઈ અહમ્ નથી કે કોઈ અહંકાર નથી.
એક ભિક્ષુ નાગસેનને સમ્રાટ મિલિન્દે પોતાના દરબારમાં આવવાનું આમંત્રણ આપ્યું. તો જે રાજદૂત નાગસેનને નિમંત્રણ આપવા ગયો હતો તેને નાગસેને કહ્યું કે જરૂર આવીશ. પણ એક વાત કહી દઉં કે અહીં કોઈ ભિક્ષુ નાગસેન છે નહીં. નાગસેન એ એક નામ માત્ર છે, કામચલાઉ. રાજદૂતે જઈને સમ્રાટને વાત કરી, ‘અજબ છે આ માણસ. કહે છે આવીશ જરૂર પણ નાગસેન જેવું કોઈ છે નહીં એ એક કામચલાઉ નામ છે.’ સમ્રાટે કહ્યું, ‘અજબ છે! પણ જયારે એણે કહ્યું છે, કે આવીશ, ત્યારે એ આવશે જરૂર.’ અને તે આવ્યો પણ ખરો- રથ પર બેસીને. સમ્રાટે દ્વાર પાસે સ્વાગત કરતાં કહ્યું કે ‘ભિક્ષુ નાગસેન, અમે આપનું સ્વાગત કરીએ છીએ.’ તે હસવા લાગ્યો. તેણે કહ્યું, ‘સ્વાગતનો સ્વીકાર કરું છું, પણ યાદ રાખો, ભિક્ષુ નાગસેન જેવું કંઈ છે જ નહીં.’ સમ્રાટે કહે, ‘આપ તો કોયડા જેવી વાત કરો છો. જૉ આપ છો નહીં,તો કોણ છે, કોણ આવ્યું છે અહીં, કોણ સ્વીકારે છે સ્વાગત, કોણ જવાબ આપે છે?’ નાગસેન પાછળ ફર્યો, રથ બતાવીને કહ્યું,‘ સમ્રાટ મિલિન્દ, હું આ રથમાં બેસીને આવ્યો, ખરું?’ સમ્રાટે હા કહી.‘આ એ જ રથ છે.’ તો ભિક્ષુ નાગસેને રથથી ઘોડાને જુદા કરીને પૂછયું, ‘આ ઘોડા રથ છે?’ સમ્રાટ કહે, ‘ઘોડા રથ કેવી રીતે હોઈ શકે?’ પછી તેણે ઘોડાને બાંધવાના દાંડા અલગ કર્યા, અને પૂછયું, ‘આ રથ છે?’ ‘આ દાંડા રથ કેવી રીતે હોઈ શકે?’
પછી ચાક જુદો કરીને પૂછયું, ‘આ રથ છે?’ સમ્રાટે કહ્યું, ‘એ તો ચાક છે, એ રથ કેવી રીતે હોઈ શકે?’ ‘એમ એક એક ભાગ જુદા કરીને તે પૂછતો ગયો અને સમ્રાટ કહેતા ગયા કે ‘ના. આ રથ નથી.’ છેવટે રહ્યું શૂન્ય. રથ કયાં? ભિક્ષુ નાગસેને પૂછયું, ‘હવે રથ કયાં?’ અને જેટલી ચીજૉ મેં કાઢી તેમાંથી કોઈ રથ નથી એમ તમે જ કહ્યું, તો રથ કયાં?’
સમ્રાટ આશ્ચર્યચકિત થઈ ગયો. રથ રહ્યો નહીં, અને જે ભાગો જુદા કર્યા તે પણ રથ નહોતો. ભિક્ષુ કહેવા લાગ્યો, ‘સમજયા આપ? રથ એક જૉડ હતી. રથ એ અમુક ચીજૉની સંયુકત રચના હતી. રથનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી. તેનો કોઈ અહંકાર નથી, રથ એક જૉડ છે.’ તમે તમારા ‘હું’ ને શોધશો તો જણાશે કે તે અનંત શકિતઓનો એક સમૂહ માત્ર છે. ‘હું’ કયાંય નથી. એક એક અંગને વિભિન્ન કરીને વિચારતાં અંગો સમાપ્ત થઈ જાય છે અને શૂન્ય કેવળ રહી જાય છે. એ જ શૂન્યમાંથી પ્રેમનો જન્મ થાય છે. કારણ કે તે શૂન્ય ‘તમે’ નથી, એ શૂન્ય તો પરમાત્મા છે. ‘સંભોગથી સમાધિ તરફ’ પુસ્તકમાંથી
સંકલન : એક ઓશો સંન્યાસી

No comments:
Post a Comment